so:text
|
ભૌતિક સાધનોથી અથવા સુખોપભોગથી વ્યક્તિ તથા સમષ્ટિને શાંતિ સાંપડી શકે છે એવું માનનારો વર્ગ વિશ્વમાં ઘણો મોટો છે. એ વર્ગનું સર્વત્ર વર્ચસ્વ છે એમ કહીએ તો ચાલે. એ માનવની તથા માનવસમાજની પ્રાથમિક જીવન-જરૂરિયાતોમાં વિશ્વાસ રાખે છે અને એમની પરિપૂર્તિના પાર વિનાના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો પ્રામાણિક તથા વાસ્તવિક હોય છે. એમની સદંતર ઉપેક્ષા ન કરી શકાય. ધર્મ, અધ્યાત્મ અથવા સાધનાના નામ પર કરવામાં આવતી એમની ઉપેક્ષા આદર્શ અને કલ્યાણકારક નથી. એવી ઉપેક્ષા જીવનને સુખશાંતિથી સંપન્ન કરવાને બદલે દુઃખ, ક્લેશ, દીનતા અને અશાંતિથી ભરી દે છે અને જીવનને અમૃતમય નહિ પરંતુ વિષમય તથા સંવાદી નહિ પરંતુ વિસંવાદી કરી નાંખે છે. એવું જીવન નીરસ ને નિરાનંદ બની જાય છે. ભૌતિક સાધનસંપત્તિ કે સમૃદ્ધિ જીવનને શાશ્વત શાંતિ તથા સર્વોત્તમ-સંપૂર્ણ સુખનું દાન નથી કરી શકતી એ જેમ સાચું છે તેમ એ પણ એટલું જ સાચું છે કે એના સિવાય જીવનની સ્વસ્થતા તેમ જ સંગીનતા નથી ટકી શકતી. (gu) |